Follow us on    |   Today : 20/02/2018       01:05:35                   You are Visitor No : Sayaji Samachar Counter of Total Sayaji Samachar Counter hits.
સયાજી સમાચાર

ભારતીય ડોકટર હનીફ વળતર માટે ઓસ્ટ્રેલિયા જશે

ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા ત્રાસવાદીઓ સાથે સંકળાયેલા હોવાના ખોટા આરોપ હેઠળ ધરપકડનો ભોગ બનનાર ભારતીય મૂળના ડોકટર મોહંમદ હનીફ ખોટી હેરાનગતિ બદલ વળતર મેળવવાની પ્રક્રિયા માટે ઓસ્ટ્રેલિયા આવશે. સ્થાનિક અખબારોના અહેવાલ અનુસાર ડોકટર હનીફ પોતાની પત્ની ફિરદોસ અને ત્રણ માસની પુત્રીહનિયાહ સાથે ડિસેમ્બરમાં બ્રિસ્બેન પહોંચી જશે. હનીફના વળતરની પ્રક્રિયાના આખરી પગલાં તરીકે સમાધાનની વાટાઘાટ કરવામાં આવશે. ‘ધી ઓસ્ટ્રેલિયન’ અખબારના અહેવાલ અનુસાર હનીફે ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટની પણ ઈચ્છા જાહેર કરી હતી. તે ઓસ્ટ્રેલિયાની મુલાકાત દરમિયાન આ શક્યતા પણ તપાસી લેવા માગે છે.

દુબઈથી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં હનીફે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના નાગરિકોએ તેને નૈતિક ટેકો આપ્યો તે બદલ તે ખૂબ આભારી છે. લોકો મારો પષ લઈને નિવેદન આપતા હતા તે જોઈ હું ધન્યતા અનુભવતો હતો. હનીફ હાલ દુબઈમાં ડોકટર તરીકે ફરજ બજાવી રહ્યો છે.

હનીફ ઓસ્ટ્રેલિયા આવી વસવા માગે છે, પરંતુ તેણે જણાવ્યું હતું કે જે રીતે ઘટનાઓ બની છે તે પછી મનમાં સંકોચ અનુે ભય બંને અનુભવી રહ્યો છે. તે ૨૧-૨૨ ડિસેમ્બર એમ બે દિવસ ઓસ્ટ્રેલિયામાં રોકાવાનો છે. દરમિયાન ભૂતપૂર્વ જજ ટોની ફિત્જેરાલ્ડના નેતૃત્ત્વમાં એક સમિતિ સાથે વળતરની રકમ અંગે વાટાઘાટો કરશે. આ જજે ૧૯૮૭માં ક્વિન્સલેન્ડ પોલીસ અને ન્યાયતંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને ઊઘાડો પાડયો હતો.

જુલાઈ ૨૦૦૭માં મોહંમદ હનીફને ત્રાસવાદી સંગઠનને મદદ કરવાના આરોપસર ધરપકડ કરી ૧૨ દિવસ ઈમિગ્રેશન અટકાયતમાં અને ૧૪ દિવસ પોલીસ અટકાયતમાં રાખવામાં આવ્યો હતો. એ વર્ષે બ્રિટનમાં થયેલા ત્રાસવાદી હુમલાના સ્થળે હનીફનું સિમકાર્ડ મળી આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. તે ભારત પાછો ફરી રહ્યો હતો ત્યારે બ્રિસ્બેન વિમાનીમથકે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. પછીથી જોન ક્લાકર્ક દ્વારા સ્વતંત્ર રીતે કરવામાં આવેલી તપાસમાં પોલીસનો આરોપ ખોટો પુરવાર થયો હતો.

Comments are closed