પત્રકારો જ ખુદ સમાચાર બની ગયા…
એક પત્રકાર કિન્નર આચાર્યેએ ફેસબુક પર સરસ સમાચાર આપ્યા કે સમાચાર લખતા પત્રકારો જ આજકાલ સમાચાર બની ગયા છે.
કિન્નરભાઈએ આ મુજબની માહિતી આપી…
ગુજરાતી પત્રકારત્વ આજકાલ ખુદ સમાચારમાં છે:
(૧) ભાસ્કરના તંત્રી અજય ઉમટ “ટાઈમ્સમાં જોડાઈ ગયા છે અને વાવડ એવા પણ છે કે , કદાચ “ટાઈમ્સ”ની ગુજરાતી આવૃત્તિ ફરી વખત શરુ થઇ શકે છે!
(2)એક સમયે “અભિયાન”ના તંત્રી રહી ચુકેલા વિનોદ પંડ્યા ફરી “અભિયાન”માં જોડાયા છે.
(3)ભાસ્કર જૂથનું “અહા જિંદગી” મેગેઝિન બંધ થઇ ગયું છે. ફરી એક વખત સાબિત થયું કે, વાચકોને સુષ્ઠુ-સુષ્ઠુ લખાણો, ફિક્કા વિષયો ગમતા નથી! દીપક સોલિયા જેવા ઉમદા પત્રકારો હોવા છતાં એ ચાલ્યું ના હોય તો એનું કારણ તેનું વધુ પડતું મખમલી ફોરમેટ જ ગણાય.
તો જય વસાવડાએ લખ્યું : શીલા ભટ્ટના તંત્રીપદ હેઠળનું ‘અભિયાન’ બધી રીતે સર્વાંગસપૂર્ણ ૩૬-૨૪-૩૬ના પરફેક્ટ વાઈટલ સ્ટેટ્સ ધરાવતું, ચોસઠ કળા અને સોળે સંસ્કાર પામેલું મેગેઝીન હતું. વિનોદભાઈ અને દિપકભાઈ પણ એ જ ‘સ્કૂલ’ની પ્રોડક્ટ છે.
બાય ધ વે, તમે તો પેલા જોકની જેમ સારા-માથા બે સમાચાર એકસાથે આપ્યા…દિપક સોલીયા જેવા ઉમદા ઇન્સાન ને મને ખુબ ગમે છે એવા લેખકના તંત્રીપદ હેઠળનું મેગેઝીન બંધ થાય (જેમાં મારી પાસે પણ એમણે પ્રેમથી લખાવેલું ) એ અંગત ખજાને ખોટ છે. તો અભિયાન વિનોદભાઈએ છોડ્યા પછી ઉત્તરોત્તર એડિટિંગમાં અનેક પ્રયોગો કરી ચુક્યું છે – પણ હજુ ય વિનોદભાઈ ના સમયનું કોપી એડિટિંગ યાદ આવે છે…
અમે તો અજય ઉમટના સમાચાર ત્રણ દિવસ પૂર્વે જ આપી દીધા હતા.અને તે સમયે લખ્યું હતું કે :
મૂળ વડોદરા જીલ્લાના એક નાના ગામમાં વસેલા રાજસ્થાની પરિવારનું સંતાન એવા અજય ઉમટના વિકાસનો ગ્રાફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે કેસ સ્ટડી સમાન છે.
હજુ ગઈકાલ સુધી બિન ગુજરાતી શેઠિયાઓના ગુજરાતી વર્તમાનપત્ર ‘દિવ્ય ભાસ્કર’માં જેમનો ડંકો વાગતો હતો એવા અજય ઉમટ એકાએક મોદી તરફી ગણાતા ‘ભાસ્કર’ને રામરામ કરી મોદી વિરોધી ટાઈમ્સ ગ્રુપમાં જોડાઈ જતા મીડિયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખાસી ચર્ચા છે..હકીકતમાં તો અજય ઉમટને જયારે અમદાવાદથી ખસેડી દિલ્હી ખાતે ભાસ્કર જૂથના પોલિટિકલ એડિટર બનાવાયા ત્યારે જ જાણકારોનું માનવું હતું કે શેઠિયાઓનું ‘કામ’ પૂરું થયું હોઈ અજય ઉમટની હવે બહુ જરૂર નથી..
અજય ઉમટ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થી…હોસ્ટેલમાં રહીને ભણ્યા..પત્રકારત્વમાં લોક્સત્તાથી શરૂઆત..ગુજરાત સમાચારમાં સાવ સાદા અને ભોઠ ગણાતા શેઠિયાઓના ખાસમખાસ બની રાજનીતિના પાઠ શીખ્યા અને સંજય જોશી સહિત અનેક ભાજપીના ખાસ બની ગયા..ભાસ્કર આવ્યું તો પત્રકારત્વની દુનિયાનો સૌથી મોટો કૂદકો મારી અજય ઉમટ પહેલા અમદાવાદ અને ત્યાર બાદ ગુજરાતની ઓલ એડિશનના ચીફ બની ગયા.
ભાસ્કરનું નામ હોય પછી પૂછવું જ શું??? રાતોરાત સાહિત્યકારોમાં પણ ઉમટ સેલીબ્રેટી બની ગયા..ગુણવંત શાહ અને મોરારી બાપુ એમના વખાણ કરતાં થાકતા નહોતા..કેમ ? એ તો સુજ્ઞ વાચક સમજી શકે છે…
ખેર..અજય ઉમટને એકાએક ભાસ્કરની ગુજરાતની ઓલ એડીશનના તંત્રી પદેથી દિલ્હી ખસેડાતા અમને તો લાગ્યું જ હતું કે ‘દાળમાં કઈક કાળું છે’..બન્યું પણ એવું જ…ગુજરાતી વર્તમાનપત્રોના બિનગુજરાતી શેઠિયાઓની ચાલ અજય ઉમટ સમજી ગયા અને ભાસ્કર છોડી ‘ટાઈમ્સ’માં જોડાઈ ગયા.ભલે અજય ઉમટનું અંગ્રેજી એટલું સારું નહિ હોય જેટલું ટાઈમ્સમાં લખાય છે પણ ઉમટ પાસે માહિતીનો ભંડાર છે…મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેનો અજય ઉમટનો ઘરોબો એમના ભાથામાં અનેક તીર ભરવા કાફી હતો…આશા રાખીએ કે હવે સત્ય અંગ્રેજીમાં તો અંગ્રેજીમાં, પણ બહાર તો આવે..હા…સત્ય બહાર લાવવા માટે હિમત જોઈએ..એવી પણ
આશા રાખીએ કે ૧૯૮૩-૮૪માં યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીમાં લાગેલા “ઉમટ એઝ ફેકલ્ટી જી.એસ.”ના બેનર લગાડતી વખતે જે જુસ્સો હતો, જે આગ હતી એવો જ જુસ્સો અને આગ હજુ અજય ઉમટના હૃદયમાં ધગધગતી હોય…
અજય ઉમટ ટાઈમ્સમાં વાંચ્યા..આજે અને ગઈકાલે જે લખ્યું એ એમના અસલી જુસ્સાને અનુરૂપ લાગ્યું..આશા રાખીએ કે હવે એ સત્ય જેના અજય ઉમટ સાક્ષી રહ્યા છે એ બહાર આવે.







